preloader

ઇતિહાસ

જય શ્રી વિઘ્નેશ્વરી માં

સિદ્ધપુરનાં મહારાજા મૂળરાજે જે વખતે ગુજરાતમાં બ્રાહ્મણોને બોલાવ્યા હતા ત્યાર બાદ તેમને અહીંયા સ્થાયી થવા વિનંતી કરી હતી તથા સિદ્ધપુરની આજુબાજુ ના ગામ આપ્યા હતા. તે પૈકી એક વ્યાસ અને એક જોશી એમ બે વચ્ચે કોટાવડ ગામ સિદ્ધપુરથી સાત ગાઉં પશ્ચિમે આપ્યું હતું.

કુળદેવી: માં વિઘ્નેશ્વરી
મહાદેવ: સોમેશ્વર
ગણપતિ: એક દન્ત
ભૈરવ: અસીતાંગ
ગોત્ર: કૌશિક
વેદ: વ્યાસનો ઋગ્વેદ અને જોશીનો યજુર્વેદ
શાખા: વ્યાસની આશ્વલાયની શાખા અને જોશીની મધ્યાયીની શાખા

લોક વાયકા પ્રમાણે એવું કહેવાય છે કે કોટાવડ ગામનાં મધ્યમાં જગત જનની માં વિઘ્નેશ્વરીનું મુળ સ્થાનક આજે પણ ઉપસ્થિત છે. અનેક વર્ષો પહેલા વિદેશી આક્રમણકારો મંદિરને નુકશાન પહોંચાડી રહ્યા હતા. મંદિરો માં લૂંટફાટ કરીને મૂર્તિને ખંડિત કરી રહ્યા હતા. આ સમયે માતાજીની મૂર્તિને ગામમાં આવેલા કુવામાં પધરાવી દેવામાં આવી હતી. મૂર્તિ દેખાય નહિ એ માટે મૂર્તિને પત્થરથી ઢાંકી દેવામાં આવી હતી. આ દરમ્યાન મૂર્તિનું નાક ખંડિત થઈ ગયું હતું. સમય પસાર થયો અને માતાજીની મૂર્તિ કુવામાં જ રહી.

એક વખત ગામમાં રેહતા વ્યક્તિને માતાજીએ સ્વપ્નમાં આવીને પોતાની હાજરી વિષે જણાવ્યું. ગામમાં રહેતા વ્યક્તિએ કુવામાં તપાસ કરતા માતાજીની મૂર્તિ મળી આવી હતી. માતાજીની મૂર્તિ ખંડિત હોવાથી એની પુનઃ સ્થાપના કરી શકાય કે નહિ આ મુંઝવણ હતી. માતાજીએ ફરીવાર સ્વપ્નમાં આવીને બે મૂર્તિની સ્થાપના કરવા માટે જણાવ્યું. મુંઝવણ દુર થતા માતાજીની બે મૂર્તિની સ્થાપના મૂળ મંદિરમાં કરવામાં આવી.

સમયજતા મોટા મંદિરની જરૂરીયાત જણાય. પરંતુ ફરી મુંઝવણ હતી કે નવા મંદિરમાં માતાજીની સ્થાપના કરાય કે કેમ? આ પ્રશ્ન એ સમયનાં મંદિરનાં પુજારીજીએ ચિઠ્ઠી નાખીની પૂછ્યું અને માતાજીને રસ્તો બતાવવા વિનંતી કરી. માતાજીએ સંમતિ અપાતા માતાજીની મૂર્તિઓની વિધિવત પુનઃ સ્થાપના નવા મંદિરમાં કરવામાં આવી. આ મંદિરનો પુનઃ જીર્ણોધ્ધાર ધામધૂમ સાથે ૧૯૯૨માં કરવામાં આવ્યો હતો.

શ્રદ્ધાળુઓ માતાજીના નવીનતમ મંદિર તથા ગામમાં ઉપસ્થિત મૂળ સ્થાનકનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.